ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments
Post a Comment